
2015ને આવકારવા માટે અભરખાનાં ઊભરાં આવી રહ્યાં હોય,
ત્યારે થોડાં આવાં સવાલો પણ મનમાં ઉઠતા હશે,
વિતેલા વર્ષમાં આપણી પર શું શું વિત્યું ?,
બીજા પર શું શું વિત્યું ?,
તેના માટે જાણે અજાણે આપણે કેટલા જવાબદાર ?,
શું બુદ્ધિથી કે હ્રદયથી આપણને આ સવાલનો જવાબ મળ્યો છે ?
આ સવાલના સચોટ જવાબ 'હા' કે 'ના'માં આપવાનું અઘરું લાગશે.
વિતેલાં વર્ષનાં સંકલ્પો પણ યાદ નહીં આવે.
પછી તેના સાકાર થવાની તો વાત જ ન થઈ શકે.
આરંભે શૂરાની ટેવ આપણને અજાણે પણ ગમતી થઈ ગઈ છે.
આપણને તુરંત માફ કરી દેવાની ઉદારતા પણ સહજ થઈ ગઈ છે.
આપણું કામ અને આપણી ઈચ્છાઓમાં વર્ષ તો વિતી ગયું.
પણ...,
જો આખાયે વર્ષ બાદ મનમાંથી એવો સાદ નિકળે કે,
"હું પોતાને અને અન્યને છેતર્યા વિના મારૂં જીવન જીવવામાં સફળ રહ્યો છું. "
તો એ વિતેલા વર્ષની આપની સૌથી મોટી સફળતા છે.
તમામ અધૂરા સંકલ્પો કરતાં પણ તે સૌથી મોટી સંકલ્પ સિદ્ધિ છે.
વિતેલા વર્ષનો તમારો અંતર્નાદ શું કહી રહ્યો છે ?
તમારો જવાબ ડાયરીમાં નોંધી રાખજો.
કારણ કે, નવાં વર્ષનો સંકલ્પ સિદ્ધ કરવાનો સમય શરૂ થઈ ગયો છે.
શુભેચ્છાસહ,
જયેશ પારકર